પ્રકરણ-૨ તણાવ સંચાલન

 

૯. તણાવ એટલે શું ?

       સરળ રીતે કહીએ તો તણાવ એ એવી સામાન્ય સંજ્ઞા છે જે લોકોને જીવનમાં લાગતા દબાણને લાગુ પડે છે. આ રીતે વ્યક્તિને જીવનમાં લાગતા દબાણને તણાવ કહે છે.

        ન્યુમેન અને બેહરના મતે, તણાવ એવી સ્થિતિ છે જે લોકો અને તેમના કાર્યોની આંતરક્રિયામાંથી ઉદભવે છે અને તેની લાક્ષણિકતા એ છે કે લોકોમાં તેના દ્વારા એવાં પરિવર્તનો આવે છે કે જે તેમને સામાન્ય કામગીરીમાંથી ચલિત થવા દબાણ કરે છે.

        શ્રી ફ્રેડ લુથાન્સના મતે, તણાવ એટલે બાહ્ય પરિસ્થિતિના જવાબમાં કરવી પડતી અનુકૂળતા, જેને કારણે સંગઠનમાં ભાગ લેનારાઓ  માટે શારીરિક, મનોવૈજ્ઞાનિક અને/અથવા વર્તણૂકલક્ષી વિચલનો ઉદભવે છે.

        સામાન્ય રીતે તણાવને નકારાત્મક, બિન જરૂરી  અને હાનિકારક ગણવામાં આવે છે. પરંતુ અમુક અંશે તણાવ જરૂરી અને ફાયદાકારક ગણાય છે.

૧૦. તણાવનાં માત્ર કારણો (Causes of Stress) જણાવો.

            તણાવની સ્થિતિ માટે જુદા જુદા લેખકો જુદા જુદા કારણો દર્શાવે છે. આમ છતાં તણાવનાં મુખ્યત્વે ચાર પ્રકારના કારણો ગણાવી શકાય:

        (A) વ્યવસ્થાતંત્રીય પરિબળો (Organizational Stressors)

        (B) જૂથને લગતાં પરિબળો (Group Stressors)

(C) વ્યક્તિગત પરિબળો (Individual Stressors)

(D) બાહ્ય પરિબળો (External Stressors).

૧૧. તણાવની અસરો પૈકી મનોવૈજ્ઞાનિક અસરો સમજાવો.

        મનોવૈજ્ઞાનિક અસરો (Psychological Effect): તણાવની શારીરિક અસરો જેવી જ ગંભીર મનોવૈજ્ઞાનિક અસરો થાય છે. ઊંચા તણાવને કારણે વ્યક્તિ ગુસ્સે થાય, ચિંતાતુર બને, નાની બાબતોમાં ઉશ્કેરાઇ જાય, માનસિક તણાવ અનુભવે, કંટાળો અનુભવે, હતાશ થાય, ઉદાસીન બને માનસિક રીતે ભાંગી પડે વગેરે બાબતો ઉદભવે છે. આ ઉપરાંત તણાવની મુખ્ય અસરો નીચે મુજબ દર્શાવી શકાય:

        (૧) ચિંતા (Anxiety): તણાવને કારણે કર્મચારી સતત ચિંતા અનુભવે છે. તે કાર્યમાં એકાગ્રતા સાધી શકતો નથી. મિત્રો સાથે દિલ ખોલીને વાત કરી શકતો નથી. (૨) ગુસ્સો (Anger): તણાવને કારણે વ્યક્તિ વાતવાતમાં ગુસ્સે થઇ જાય છે. સહકાર્યકરો તેનાથી દુર રહે છે. આથી વ્યક્તિના તણાવમાં વધારો થાય છે. (૩) વિલંબ (Delay in decision): તણાવનો ભોગ બનેલ અધિકારી ઝડપી નિર્ણયો લઇ શકતો નથી. તેના તાબેદારો તેને ખલેલ ન પહોંચે તેમ ઇચ્છે છે, તેથી તેને કામગીરી અંગેની પૂરતી માહિતી મળી શકતી નથી. આને કારણે પણ નિર્ણયોમાં વિલંબ થાય છે. (૪) આક્રમક વલણ (Aggression): તણાવને કારણે વ્યક્તિ હતાશા અનુભવે છે. હતાશ વ્યક્તિ આક્રમક બને છે. તે વાતવાતમાં ઉશ્કેરાઇ જાય છે. વારંવાર ઝઘડા કરે છે. તેનું વલણ નકારાત્મક બને છે. દરેક બાબતમાં તે કોઇ ને કોઇ ખામી શોધે છે.

૧૨. તણાવની શારીરિક અસરો જણાવો.

        શારીરિક અસર (Physical Effects): તણાવની માનવી પર શારીરિક ગંભીર અસરો થાય છે. વધું પડતાં તણાવને કારણે વ્યક્તિને લોહીનું ઊંચું દબાણ, ઊંચું કોલેસ્ટ્રોલ ઉદભવે છે. વ્યક્તિને માથાનો દુખાવો કાયમ રહે છે. આવી વ્યક્તિને હૃદયરોગ થાય છે, પેટમાં ચાંદાં પડે છે તેમ જ વાનાં દર્દો પણ થાય છે. કેટલીક વાર તણાવ અને કૅન્સર વચ્ચે સીધો સંબંધ માલૂમ પડ્યો છે.

        તણાવને કારણે વ્યક્તિ વધું પડતો થાક અનુભવે છે. ઘણી વાર તણાવનું અંતિમ પરિણામ હૃદયરોગનો હુમલો અને વ્યક્તિનું મૃત્યું હોય છે. આથી વ્યક્તિને નુકશાન તો થાય જ  છે પરંતુ કંપની પર તેની પ્રતિકૂળ અસરો પડે છે. વળી તણાવને કારણે વ્યક્તિની માંદગી, માંદગીને કારણે લાંબા સમયની ગેરહાજરી, કાયમ માનસિક તાણમાં રહેવું, ગંભીર માંદગીનો ભોગ બનવું વગેરે અનેક બબતો કંપની માટે ચિંતાજનક બાબત સાબિત થાય છે.

૧૩. તણાવ ઘટાડવાની વ્યક્તિગત વ્યૂહરચનાના માત્ર મુદ્દાઓ જણાવો.

        વ્યક્તિગત વ્યુહરચનાઓ (Individual Strategies) : તણાવ ઘટાડવા વ્યક્તિગત ઉપચારો અપનાવી શકાય છે. આવા કેટલાક ઉપચારો નીચે મુજબ છે:

        (૧) વ્યાયામ (૨) માનસિક હળવાશ અને ધ્યાન (૩) વર્તન પર સ્વયં અંકુશ (૪) અનુભૂતિજન્ય ઉપચાર (૫) સામાજિક સમર્થન (૬) સમય સંચાલન (૭) ભૂમિકા સ્પષ્ટીકરણ (૮) નોકરીનો અંત.

૧૪. તણાવ દુર કરવાની સંગઠન તરફની વ્યૂહરચનાના માત્ર મુદ્દાઓ દર્શાવો.

        વ્યવસ્થાતંત્રીય વ્યુહરચના (Organizational Strategies) : તણાવ કર્મચારીની દૃષ્ટીએ નુકશાનકારક છે તેજ રીતે સાહસની દૃષ્ટીએ પણ તે નુકશાનકારક છે. વ્યવસ્થાતંત્રીય પરિબળોને કારણે પેદા થતો તણાવ ઘટાડવા માટે સંગઠને કેટલાંક પગલાં લેવા પડે છે. તેથી કર્મચારીના તણાવમાં ઘટાડો થાય છે. આવી કેટલીક વ્યવસ્થાતંત્રીય વ્યુહરચનાઓ નીચે મુજબ છે:

        (૧) પસંદગી અને નિયુક્તિ (૨) ધ્યેય નિર્ધારણ (૩) કાર્ય પુન:રચના (૪) વ્યવસ્થાતંત્રીય માહિતીસંચાર (૫) સત્તા સોંપણી (૬) સુપરવાઇઝર તાલીમ (૭) તણાવમુક્તિ શિબિર (૮) સલાહ-મસલતની જોગવાઇ (૯) વ્યવસ્થાતંત્રમાં માળખાકીય ફેરફાર (૧૦) કાર્યક્રમો.

૧૫. તણાવની પરિસ્થિતિ ઘણી વાર આવકારદાયક છે. – આ વિધાન સમજાવો.

અથવા

તણાવની પરિસ્થિતિ હંમેશા નુકશાનકારક હોય એવું બનતું નથી. – સ્પષ્ટ કરો.

        તણાવની અસર હંમેશા ખરાબ કે નુકશાનકારક જ હોય એવું નથી. અમુક પ્રમાણમાં તણાવ હોય તો તે કાર્યક્ષમતાને ઉત્તેજન આપે છે. કામગીરીમાં સુધારો થાય છે. પરંતુ અમુક પ્રમાણથી તણાવ વધે તો તે કામદાર અને એકમ બંને પક્ષે નુકશાનકારક સાબિત થાય છે. તણાવનું પ્રમાણ વધું હોય તો કામદારનો થાક અને કંટાળો વધે છે, અકસ્માતોનું પ્રમાણ વધે છે, ઉત્પાદકતામાં ઘટાડો થાય છે, ઉત્પાદન ઘટે છે, વસ્તુની ગુણવત્તા ઘટે છે તેમ જ મજુર ફેરબદલી દર અને ગેરહાજરીનું પ્રમાણ વધે છે. આથી કહી શકાય કે હળવો તણાવ વ્યક્તિને વધું કાર્ય કરવા પ્રેરે છે. જ્યારે વધું પડતો તણાવ ઇચ્છનીય નથી.

૧૬. કામગીરીની અયોગ્ય પરિસ્થિતિ તણાવ પેદા કરે છે. – સમજાવો.

        તણાવ પેદા થવાના અનેક કારણો છે. તેમા કાર્યની ભૌતિક પરિસ્થિતિ એ એક મહત્વનું કારણ છે. કામગીરીની ભૌતિક પરિસ્થિતિ એટલે હવાઉજાસની સગવડ, પૂરતી પ્રકાશવ્યવસ્થા, ઘોંઘાટ નિયંત્રણની વ્યવસ્થા તેમજ હરવા ફરવા માટેની પૂરતી જ્ગ્યા. કામગીરીની અયોગ્ય પરિસ્થિતિને કારણે કામદાર પોતાનું સંપૂર્ણ ધ્યાન કાર્ય પ્રત્યે કેન્દ્રિત કરી શકતો નથી. ઘણી વાર ઘોંઘાટ અને અપૂરતી પ્રકાશ વ્યવસ્થા માનસિક તણાવ પેદા કરે છે. આથી કામદારને કંટાળો આવે છે તેમજ થાક લાગે છે. પરિણામે અકસ્માતોની શક્યતા વધે છે. આ રીતે કામગીરીની અયોગ્ય પરિસ્થિતિ તણાવ પેદા કરે છે.

૧૭. તણાવનો અભ્યાસ આધુનિક સમયમાં જરૂરી બન્યો છે. – આ વિધાન સમજાવો.

        આધુનિક સમયમાં ભાગ્યે જ કોઇ એવી વ્યક્તિ હશે કે જેને તણાવનો અનુભવ ન થયો હોય. પછી તે નોકરીની પરિસ્થિતિને કારણે હોય, સામાજિક પ્રશ્નોને કારણે હોય, આર્થિક મુશ્કેલીને કારણે હોય, કોઇ ગંભીર રોગ કે બિમારીને કારણે હોય, રાજકીય પરિસ્થિતિને કારણે હોય, કે કુદરતી આપત્તિને કારણે હોય. તણાવને કારણે શારીરિક અને માનસિક અસ્વસ્થતા, ચિંતા, હતાશા, લોહીનું ઊંચું દબાણ, ઉશ્કેરાટ, ગુસ્સો, ગેરહાજરી, આત્મહત્યા કે હૃદયરોગનો હુમલો થઇ શકે છે. આથી સંચાલકોએ જોવું જોઇએ કર્મચારીઓ અને અધિકારીઓ તણાવથી મુક્ત રહે. તેથી આધુનિક સમયમાં તણાવનો અભ્યાસ જરૂરી બન્યો છે.

Make a free website with Yola