પ્રકરણ-૧૦ કરારની જવાબદારીમાંથી મુક્તિ

પ્રકરણ-૧૦ કરારની જવાબદારીમાંથી મુક્તિ (Discharge of contract)


૧. કરારનું પાલન કરીને (By Performance) : કલમ ૩૭માં જણાવ્યું છે તેમ કરારના દરેક પક્ષકારે પોતપોતાના વચનોનું પાલન કરવું જોઇએ. આ રીતે કરાર હેઠળ દરેક પક્ષકારે જે કરવાનું છે તે કરવાથી તેઓ પાલન કરવાની જવાબદારીમાંથી મુક્તિ મેળવે છે.

૨. કરાર પાલનની દરખાસ્ત દ્વારા (By Tender) : જ્યારે વચન આપનાર કરાર હેઠળ પોતે જે કરવાનું છે તે કરવાની દરખાસ્ત કરે અને સામો પક્ષ તેનો સ્વીકાર કરે તો વચન આપનાર પોતાની કરાર હેઠળની જવાબદારીમાંથી મુક્ત થાય છે.

૩. પરસ્પર સમજૂતી દ્વારા :

        (૧) નવા કરારથી (By Novation) : જો કરારના પક્ષકારો તેને (એટલે કે જૂના કરારને ) બદલે નવો કરાર કરવા કે જૂનો કરાર રદ કરવા અથવા તેમાં ફેરફાર કરવા સમજૂતી કરે તો મૂળ કરારનું પાલન કરવાની જરૂર નથી. (ક : ૬૨)

        (૨) કરારની શરતોમાં ફેરફાર કરીને (By Alteration) : જ્યારે બંને પક્ષકારો તેમની સંમતિથી કરારમાં ફેરફાર કરે ત્યારે તે ફેરફાર કાયદેસર છે. તેના પરિણામે હવે જૂના કરારનું પાલન કરવાની જરૂર નથી, પરંતુ ફેરફાર સાથેના કરારનું પાલન કરવું પડે.

        (૩) કરાર રદ કરીને (By Rescission) : જ્યારે કરારના બંને પક્ષકારો પરસ્પર સંમત થઇને કરાર હેઠળની જવાબદારીનો અંત લાવવા કબૂલ થાય ત્યારે જૂના કરાર હેઠળની જવાબદારી પૂરી કરવાની જરૂર નથી અને બંને પક્ષકારો મુક્ત થઇ જાય છે.

        (૪) કરારપાલનનો હક જતો કરીને (By Waiver) : વચન લેનાર, વચન આપનારે આપેલા વચનનું પાલન સંપૂર્ણ રીતે અથવા અંશત: જતું કરી શકે કે છોડી શકે અને તેમ કરે તો વચન આપનારને વચનના પાલનમાંથી તે પૂરતી મુક્તિ મળે છે.
        (૫) યોગ્ય લાગે તેવી ભરપાઇ સ્વીકાર કરીને
(By Remission) : કરારમાં હોય તેનાથી ઓછું સ્વીકારવાનું વચન આપવું તે પણ કાયદેસર છે.

સમજૂતી અને સંતોષ (Accord and Satisfaction) :
        અંગ્રેજી કાયદા પ્રમાણે કરારનો એક પક્ષ કરાર હેઠળ એણે જે કંઇ કરવાનું છે તેનાથી કંઇક ઓછું લેવાનું વચન આપે અને બીજો એ સ્વીકારે, અને પહેલા કરારમાંથી એને મુક્તિ આપે તો તે ‘સમજૂતી’ અને ‘સંતોષ’ તરીક ઓળખાય છે. ઓછું લેવાના વચનને
accordએટલે કે ‘સમજૂતી’ કહેવાય અને આવી ‘સમજૂતી’ મુજબ ચુકવણી કે પાલન થાય તેને satisfactionએટલે કે ‘સંતોષ’ કહેવાય. આ સિદ્ધાંત ભારતમાં સ્વીકારાયો નથી. ક : ૬૩ અનુસાર વચન લેનાર વચન આપનાર પાસેથી તેના વચનના પાલન તરીકે પોતાને યોગ્ય લાગે તે સ્વીકારી શકે.

        (૬) સમય વધારી આપીને (By Extension) : સમયપાલનનો ગાળો પક્ષકાર ઇચ્છે તો વધારી આપી શકે છે. તેના માટે કોઇ જુદા અવેજની જરૂર નથી. આના કારણે પક્ષકાર પોતાની વસૂલાતનો સમય આગળ લઇ જાય છે.

૪. અશક્યતા દ્વારા (By Impossibility) :
        (અ) જે કૃત્ય પોતે જ અશક્ય હોય તે કરવાની સમજૂતી રદબાતલ છે.

        (બ) જે કૃત્ય કરાર કર્યા પછી અશક્ય બને તે કૃત્ય કરવાનો કરાર તે કરાર અશક્ય બન્યા પછી રદબાતલ બને.

        (ક) જે કૃત્ય કરાર કર્યા પછી વચન આપનાર અટકાવી ન શકે તેવા કોઇ બનાવને કારણે કાયદા વિરુદ્ધનું બને તે કૃત્ય કરવાનો કરાર તે કાયદા વિરુદ્ધનું બને ત્યારથી રદબાતલ છે.
        (ડ) જ્યારે કોઇ એક વ્યક્તિએ અમુક કાર્ય કરવાનું વચન આપ્યું હોય અને તે જાણતો હોય કે કાર્ય અશક્ય છે કે કાયદા વિરુદ્ધનું છે અથવા યોગ્ય કાળજીથી તે જાણી શક્યો હોત તેમજ વચન લેનાર તે જાણતો ન હોય તો આવા વચન આપનારે વચન લેનારને તેનું પાલન ન થવાને કારણે જે નુકશાન થાય તે ભરપાઇ કરી આપવું પડે.

નિષ્ફળતા (વિફળતા)નો સિદ્ધાંત (Doctrine of Frustration) : કરાર કર્યા પછી કાર્ય કરવું અશક્ય બને તો કાયદો તે કાર્ય કરવાના કરારને રદબાતલ ગણે છે. અશક્યતાના બનાવો :

        (૧) વિષયવસ્તુ વિનાશ

        (૨) મૂળભૂત ઉદ્દેશ નિષ્ફળ
        (૩) કાયદામાં ફેરફાર

        (૪) વ્યક્તિનું મૃત્યું કે અશક્તિ

        (૫) યુદ્ધની જાહેરાત

સિદ્ધાંત ક્યારે લાગુ ન પડે :
        (૧) કરારનું પાલન મુશ્કેલ હોય,

        (૨) ભાવમાં ખૂબ વધારો થયો હોય,

        (૩) હડતાલ વગેરે કારણો હોય,

        (૪) એક પક્ષકાર કરાર પૂરો કરવા ત્રાહિત વ્યક્તિ પર આધાર રાખતી હોય અને આવી ત્રાહિત વ્યક્તિ પાલન ન કરે,

        (૫) કરારનાં એક કરતાં વધું ઉદ્દેશો હોય અને એક ઉદ્દેશ નિષ્ફળ જાય.

૫. વચન લેનાર યોગ્ય સગવડ આપવાનો ઇનકાર કરે : જ્યારે કોઇ વચન લેનાર વચનના પાલન અંગે વચન આપનાર સામા પક્ષને વાજબી સગવડો આપવામાં બેદરકારી બતાવે અથવા વાજબી સગવડો આપવાનો ઇનકાર કરે તો વચન આપનારને કરારનું પાલન કરવાની જવાબદારીમાંથી મુક્તિ મળે છે. (ક : ૬૭)

૬. કરારભંગ દ્વારા (By Breach of Contract) : જ્યારે કરારનો કોઇ એક પક્ષકાર પોતાના વચનનું પાલન કરવાનો ઇનકાર કરે ત્યારે કરારભંગ થયો કહેવાય. એક પક્ષ કરારભંગ કરે તો સામા પક્ષકારને બે અધિકાર મળે છે : (૧) નુકશાન વળતર મેળવવાનો અધિકાર, (૨) કરાર હેઠળ પોતાને જે કરવાનું બાકી છે તેમાંથી મુક્તિ.

૭. કાયદાના અમલ દ્વારા (By Operation of Law) :
        (૧) વિલિનીકરણ દ્વારા
        (૨) નાદારીના કારણે
        (ક) મહત્વના ફેરફારના કારણે.

 

 

૮. સમય વીતવાને કારણે (By Lapse of Time) : કરારમાં સમયમર્યાદા દર્શાવવામાં આવી હોય તો તે સમયની અંદર કરારનું પાલન થવું જોઇએ. ત્યાર બાદ સામો પક્ષ તે કરારપાલન સ્વીકારવા બંધાયેલો નથી. કરારમાં જો સમયમર્યાદા દર્શાવવામાં ન આવી હોય તો ‘વાજબી’ સમયમાં તેનું પાલન થવું જોઇએ. એ તેમ ન કરે તો પછી કરારનો અંત આવ્યો ગણાય.

Make a free website with Yola