પ્રકરણ-૬ મુક્ત સંમતિ (FREE CONSENT)

પ્રકરણ-૬ મુક્ત સંમતિ (FREE CONSENT)


૧. સંમતિ વ્યાખ્યા : જ્યારે બે કે વધું વ્યક્તિઓ એક જ વસ્તુ અંગે એક જ અર્થમાં સંમત થાય ત્યારે તેઓ સંમત થયા છે એમ કહેવાય. (ક : ૧૩)

૨. મુક્ત સંમતિ વ્યાખ્યા : જ્યારે સંમતિ (અ) ક : ૧૫ મુજબ બળજબરી; અથવા (બ) ક : ૧૬ મુજબ અયોગ્ય લાગવગ; અથવા (ક) ક : ૧૭ મુજબ દગો, અથવા (ડ) ક : ૧૮ મુજબ ગેરરજૂઆત, અથવા (ઇ) ક : ૨૦, ૨૧ અને ૨૨ મુજબ ભૂલથી મેળવવામાં ન આવી હોય ત્યારે તે ‘મુક્ત સંમતિ’ કહેવાય.

૩. બળજબરી વ્યાખ્યા : બળજબરી એટલે કોઇ વ્યક્તિ પાસે સમજૂતી કરાવવાના ઇરાદાથી, કોઇ વ્યક્તિને હાનિકર્તા થાય એ રીતે ભારતીય ફોજદારી ધારા દ્વારા પ્રતિબંધ હોય એવું કૃત્ય કરવું અથવા એવું કૃત્ય કરવાની ધમકી આપવી અથવા કોઇ મિલકતો ગેરકાયદેસર રાખી મૂકવાની ધમકી આપવી.

ખૂલાસો : જે સ્થળે આવી બળજબરી વાપરવામાં આવે ત્યાં ભારતીય ફોજદારી ધારો અમલમાં હોય કે ન હોય તે મહત્વનું નથી.(ક :૧૫)

મુદ્દા :
        ૧. ભારતીય ફોજદારી ધારાથી પ્રતિબંધિત કૃત્ય
        ૨. મિલકત કબજે રાખવી

        ૩. બળજબરીનો ઉદ્દેશ

        ૪. બળજબરીનું સ્થળ (મહત્વનું નથી).

૪. અયોગ્ય લાગવગ : (અ) વ્યાખ્યા : જ્યારે પક્ષકારો વચ્ચે અસ્તિત્વ ધરાવતા સંબંધો એવા પ્રકારના હોય કે તે પક્ષકારોમાંનો એક પક્ષકાર બીજા પક્ષકારની ઇચ્છાશક્તિ પર વર્ચસ્વ ધરાવવાની સ્થિતિમાં હોય અને તે સ્થિતિનો ઉપયોગ તે બીજા પક્ષકાર પાસેથી અયોગ્ય ફાયદો મેળવવા કરે ત્યારે કરાર અયોગ્ય લાગવગથી થયેલો ગણાય.

(બ) વર્ચસ્વ ધરાવતા સંજોગો : (૧) જ્યારે એક વ્યક્તિ બીજી વ્યક્તિ પર ખરેખર કે દેખીતી રીતે અધિકાર ધરાવતી હોય, અથવા (૨) જ્યારે તે વ્યક્તિ તે બીજી વ્યક્તિ સાથે વિશ્વાસનીય સંબંધ ધરાવતી હોય ત્યારે, અથવા (૩) જ્યારે ઉંમર, માંદગી કે શારીરિક પરિતાપને લીધે એક વ્યક્તિની માનસિક શક્તિને કાયમ માટે કે કામચલાઉ અસર થઇ હોય અને તેની સાથે તે કરાર કરે ત્યારે તે એક વ્યક્તિ બીજી વ્યક્તિની ઇચ્છાશક્તિ પર વર્ચસ્વ ધરાવે છે એમ કહેવાય.

(ક) પુરાવાનો ક્રમ : જ્યારે એક વ્યક્તિ બીજી વ્યક્તિ ની ઇચ્છાશક્તિ પર વર્ચસ્વ ધરાવતી સ્થિતિમાં હોય અને તે વ્યક્તિ સાથે કરાર કરે અને વ્યવહાર દેખીતી રીતે જ પુરાવા પરથી અનુચિત જણાય, ત્યારે આ કરાર અયોગ્ય લાગવગથી નથી થયો તે સાબિત કરવાની જવાબદારી પ્રથમ વ્યક્તિની છે. (ક :૧૬)

૫. દગો – વ્યાખ્યા : કરારના એક પક્ષકાર તરફથી બીજા પક્ષકાર કે તેના એજન્ટો છેતરવાના ઇરાદાથી કે તેને કરાર કરવા માટે કરવામાં આવતાં નીચેનાં કૃત્યો દગો કહેવાય છે અને ‘દગા’ માં તેનો સમાવેશ થાય છે. આવું કૃત્ય પ્રથમ પક્ષકારના એજન્ટ દ્વારા થાય અથવા તેની ઉપેક્ષાથી થાય તો પણ તે ‘દગો’ કહેવાય છે.

(અ) ઇરાદાપૂર્વકની ખોટી રજૂઆત : જે બાબત સત્ય નથી અને તે વ્યક્તિ સાચી માનતી નથી, છતાં તે વ્યક્તિ એ હકીકત સત્ય હોવાનું સૂચન કરે.

(બ) હકીકત સક્રિયતાથી છુપાવે : જે વ્યક્તિને અમુક હકીકતનું જ્ઞાન હોય અથવા જે તે માનતો હોય તે સક્રિય રીતે છુપાવે તો તે દગો કહેવાય.

(ક) ઇરાદા વિનાનું વચન : જેનું પાલન કરવાનો ઇરાદો ન હોય એવું વચન દગો કહેવાય.

(ડ) છેતરી શકે એવું અન્ય કૃત્ય : છેતરવા માટે થયેલું અન્ય કોઇ પણ કાર્ય દગો કહેવાય.

(ઇ) કાયદાએ દગાયુક્ત જાહેર કર્યું હોય : બીજું કોઇ પણ કૃત્ય અથવા કાર્યલોપ જેને કાયદા દ્વારા દગાયુક્ત જાહેર કરવામાં આવ્યું હોય તેને પણ દગો કહેવાય.

મૌન ક્યારે કપત ગણાય? : કોઇ વ્યક્તિની કરાર કરવાની ઇચ્છાને અસર કરે, તેવી હકીકતો પરત્વેનું માત્ર મૌન એ કપટ નથી. સિવાય કે કેસના સંયોગો હોય કે તેને ધ્યાનમાં લેતાં મૌન સેવનાર વ્યક્તિની બોલવાની ફરજ બનતી હોય, અથવા સિવાય કે એનું મૌન જ બોલવા બરાબર હોય.

૬. ગેરરજૂઆત – વ્યાખ્યા : (અ) પ્રમાણિક માન્યતાની દૃઢતાપૂર્વક રજૂઆત : કોઇ વ્યક્તિ અમુક બાબત નિશ્ચિત રીતે સાચી છે એવી રજૂઆત કરે અને તે બાબત સાચી ન હોય તેમ જ તેની પાસેની માહિતી અનુસાર તે સાચી ન જણાતી હોય, છતાં તે પોતે તેને સાચી માનતી હોય, આવી રજૂઆતને ‘ગેરરજૂઆત’ કહેવાય.

(બ) પરોક્ષ દગો : જ્યારે કોઇ વ્યક્તિ, છેતરવાના ઇરાદા સિવાય, કોઇ ફરજનો ભંગ કરે અને તેને લીધે સામી વ્યક્તિ તેનું હિત જોખમાય એ રીતે ગેરરસ્તે દોરવાય તેમજ ફરજભંગ કરનારને લાભ થાય તો તે ગેરરજૂઆત કહેવાય.

(ક) કરારવિષયક પરત્વે નિર્દોષતાથી ભૂલ કરાવે : કરારના એક પક્ષકાર પાસે, જે વસ્તુ કરારનો વિષયનો હોય તેનાં મહત્વના મુદ્દા અંગે ભૂલ કરવામાં આવે તો તે ગેરરજૂઆત કહેવાય, પછી તે ગમે તેટલી નિર્દોષ રીતે કરવામાં આવી હોય.

૭. ભૂલ – વ્યાખ્યા : (૧) હકીકત પરત્વે બંને પક્ષકારોની ભૂલ : જ્યારે બંને પક્ષકારો સમજૂતી માટે આવશ્યક એવી હકીકતની બાબત અંગે ભૂલમાં હોય તો તે સમજૂતી રદબાતલ છે. (ક. : ૨૦)
કિંમત અંગેના ભૂલભરેલા અભિપ્રાયને હકીકતની બાબત અંગેની ભૂલ ગણાશે નહિ.

(૨) એકપક્ષીય ભૂલ : જ્યારે કરારના બે પક્ષકારોમાંથી કોઇ એક પક્ષકાર હકીકતની બાબત અંગે ભૂલમાં હોય તો તે કારણથી જ કરાર રદબાતલ થવાપાત્ર નથી.                              (ક. : ૨૨)

(૩) કાયદા પરત્વેની ભૂલ : ભારતમાં અમલમાં હોય એવા કોઇ કાયદા પરત્વેની ભૂલથી કરાર થયો હોય તો તે કારણથી કરાર રદબાતલ થવાપાત્ર નથી, પરંતુ ભારતમાં અમલમાં ન હોય એવા કાયદા અંગેની ભૂલની અસર હકીકતની ભૂલ જેવી જ રહેશે. (ક. : ૨૧) એટલે કે (i) વિદેશી કાયદા અંગે ભૂલ થઇ હોય તો તેની અસર હકીકતની ભૂલ જેવી જ થાય છે. (ii) મિલકત પરના ખાનગી હક અંગેની ભૂલ હકીકતની ભૂલ જેવી જ છે.

૮. સંમતિ અને ભૂલ :
        (૧) પક્ષકારની એકરૂપતા
(Identity of parties) પરત્વેની ભૂલ
        (૨) વિષયવસ્તુની એકરૂપતા
(Identity of subject-matter) પરત્વેની ભૂલ
        (૩) વ્યવહારની એકરૂપતા
(Identity of transaction) પરત્વેની ભૂલ

 

        (૪) વિષયવસ્તુના અસ્તિત્વ (Existence of Subject-matter) પરત્વેની ભૂલ

 

મુક્ત સંમતિના અભાવની અસર : સંમતિ જો (૧) બળજબરીથી, (૨) અયોગ્ય લાગવગથી, (૩) દગાથી કે (૪) ગેરરજૂઆતથી મેળવવામાં આવી હોય તો જે પક્ષકારની સંમતિ આ રીતે મેળવવામાં આવી હોય તેના વિકલ્પો (બીજા પક્ષકારના વિકલ્પે નહિ) કરાર રદબાતલ થવાને પાત્ર બને છે.
        સંમતિ જો હકીકતની ભૂલ હેઠળ આપવામાં આવી હોય તો કરાર સંપૂર્ણપણે રદબાતલ
(void) છે.

Make a free website with Yola